પ્રાતઃપૂજા
pratah puja
પ્રાતઃપૂજા એ વૈદિક પરંપરાનો એક મહત્વપૂર્ણ નિત્યક્રમ અને આદર્શ જીવનપદ્ધતિનું અગત્યનું અંગ છે.
પ્રાતઃપૂજા એ ભગવાનના ભક્ત દ્વારા દરરોજ સવારે કરવામાં આવતી એક પ્રાર્થના છે.
એક ભક્ત પૂજા દરમિયાન ભગવાન સાથે તન્મયતાથી જોડાઈ પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરી શકે છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃત અને શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને નિત્યપૂજા કરવાની આજ્ઞા કરેલ છે. ભગવાનની પ્રાતઃપૂજા સાથે શરૂ થયેલો દિવસ પ્રસન્નતાથી પ્રસાર થાય છે.
ઈશ્વર આરાધનાનો સર્વોત્તમ કાળ બ્રાહ્મમુહુર્ત છે, આથી ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને સૂર્યોદય પહેલા ઉઠવાની આજ્ઞા આપીને તેમના આધ્યાત્મિક અને દૈહિક આરોગ્યનું જતન કર્યું છે.
ભગવાન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા, જીવાત્માના મોક્ષ માટે, અંતઃકરણની શાશ્વત શાંતિ માટે અને પરમાત્માના દિવ્ય સુખની અનુભૂતિ માટે પ્રાતઃપૂજા કરવી અનિવાર્ય છે.
સૌ પ્રથમ પવિત્ર જળથી સ્નાન કરીને, પૂજા માટે પુરૂષોએ ધોતી અને શાલ પહેરવા તેમજ બહેનોએ ધોએલા વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ શાંત અને પવિત્ર જગ્યામાં એક આસન પાથરી તેના ઉપર પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી પૂજા કરવા બેસવું.
ત્યારબાદ ઠાકોરજીને સન્મુખ પધરાવવા માટે બીજુ આસન પાથરવું. તે આસનના ઉપરના ભાગમાં મૂર્તિઓને ખોલ્યા વગર સંકેલીને મુકવી અને તે જ આસનની ડાબી બાજુએ શિક્ષાપત્રી મુકવી અને જમણી બાજુએ ગૌમુખી સહિત માળા મુકવી. તિલક ચાંદલા માટેની તથા પૂજાની અન્ય સામગ્રી આસનની બાજુમાં મુકવી.
ત્યારબાદ તિલક-ચાંદલો કરવો. ભાલમાં તિલક કરતી વખતે ૐ શ્રી વાસુદેવાય નમઃ, હૃદયમાં તિલક કરતી વખતે ૐ શ્રી સંકર્ષણાય નમ:, જમણી બાજુમાં તિલક કરતી વખતે ૐ શ્રી પ્રદ્યુમ્નાય નમ:, ડાબી બાજુ તિલક કરતી વખતે ૐ શ્રી અનિરુદ્ધાય નમઃ, ભાલમાં તિલક ની વચ્ચે કુમકુમનો ચાંદલો કરવો.
બહેનો એ માત્ર ભાલમાં કુમકુમનો ગોળ ચાંદલો જ કરવો.
ત્યાર પછી સ્વસ્તિક આસને બેસી આંખો બંધ કરી માનસી પૂજા કરવી.
માનસી પૂજા એવા ભાવથી કરવી જાણે આપણે પ્રત્યક્ષ શ્રીજી મહારાજની પૂજા કરી રહ્યા છીએ. હું પ્રભુનો દાસ છું. સુવર્ણમહેલમાં સુવર્ણના પલંગ પર પોઢેલા પ્રભુને આદરપૂર્વક વંદના કરી જગાડું છું. મારી પ્રાર્થના સાંભળી પ્રભુ જાગ્યા. શ્રીજી મહારાજ સુવર્ણ બાજોઠે બીરાજમાન થયા, સુગંધીમાન દાતણથી દંત શુદ્ધી કરી મુખ શુદ્ધી કરીને શ્રીજી મહારાજે વિવિધ પ્રકારના ઔષધિ દ્રવ્ય અને કેસર યુક્ત જળથી સ્નાન કર્યું.
મેં શ્રીજી મહારાજને ઋતુ અનુસાર અમુલ્ય ભારે ભારે વસ્ત્રો અને આભુષણો ધરાવ્યા, ત્યારબાદ પ્રેમભાવથી થાળ જમાડ્યો.
ત્યાર બાદ દંડવત કરીને સ્તુતિ પ્રાર્થના કરવી કે હે પ્રભુ આપ મારી પૂજામાં પધારો. આમ માનસી પૂજા પૂર્ણ કરવી.
ત્યારબાદ મૂર્તિઓને આસન ઉપર પધરાવવી. ભગવાનને પૂજામાં પધારવા માટેની પ્રાર્થના સાથે ઉત્થાપનના મંત્રોનું ગાન કરવું.
ઉતિષ્ઠોત્તિષ્ઠ હે નાથ ! સ્વામિનારાયણ પ્રભો ।
ધર્મસૂનો દયાસિંધો સ્વેષાં શ્રેયઃ પરં કુરુ ।।
ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ! ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ।
ઉત્તિષ્ઠ કમલાકાન્ત ! ત્રૈલોકયં મંગલં કુરુ ।।
આગચ્છ ભગવન્ ! દેવ ! સ્વસ્થાનાત્પરમેશ્વર।
અહં પૂજાં કરિષ્યામિ, સદા ત્વં સન્મુખો ભવ ।।
ત્યારબાદ જમણા હાથમાં ગૌમુખી લઈ હૃદય સમીપે રાખી, માળાને જમણા હાથના અંગુઠા પછીની બીજી આંગળી ઉપર રાખવી, પહેલી આંગળી માળાને ન અડે તેમ દૂર રાખવી પછી અંગુઠા વડે એક-એક મણકો લઈ ‘સ્વામિનારાયણ’ મહામંત્રનો જપ કરવો. માળા ફેરવતા મેર એટલે કે ફુમકુ આવે ત્યારે માળાને ઉલટાવીને ફરી શરૂ કરવી. આવી રીતે સ્વામિનારાયણ મહામંત્ર જપની સાથે ઓછામાં ઓછી પાંચ માળા કરવી.
ત્યારબાદ ડાબે પગે ઉભા રહીને, જમણા પગને ગોઠણથી વાળી ડાબા પગના ગોઠણ પાસે ઊંચો રાખી, બન્ને હાથ ઉંચા કરી તપની એક માળા ફેરવવી. નીલકંઠ વર્ણીએ તપશ્ચર્યાનો આદર્શ આપ્યો તેમની સ્મૃતિમાં તપની માળા કરવામાં આવે છે.
તપની માળા પૂર્ણ કરીને માળા ફેરવતાં ફેરવતાં મંત્રજપ સાથે આપણા જમણા હાથ તરફ ઠાકોરજી રહે તે રીતે પ્રદક્ષિણા કરવી.
ત્યાર પછી પ્રભુ પ્રાર્થના સાથે પાંચ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. બહેનોએ પાંચ પંચાગ પ્રણામ કરવા, છઠો દંડવત જાણે અજાણે ભગવાનના ભક્તનો અપરાધ થયો હોય તેની નિવૃત્તિને અર્થે કરવો.
ત્યારબાદ સૂકોમેવો અથવા સાકર થાળમાં રાખીને ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું.
ભગવાનની આજ્ઞામાં સાવધાન રહેવાય તે માટે શિક્ષાપત્રીના પાંચ શ્લોકોનું વાંચન કરવું.
ત્યારબાદ જનમંગલ, વચનામૃત, વંદુનો પાઠ વગેરેનું નિયમિત નિયમ અનુસાર વાંચન કરવું.
ત્યારબાદ પૂજામાં તથા દિવસ-રાત જાણે અજાણે થયેલા અપરાધોની ભગવાનની પાસે બે હાથ જોડી મંત્ર સાથે ક્ષમા માગવી.
અપરાધ સહસ્ત્રાણિ ક્રિયંતે અહર્નિશં મયા ।
દાસો અયમિતિ માં મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ ।।
હે પુરુષોત્તમ, હે પ્રભુ, હે દયાળુ મારાથી જાણે અજાણે દિવસ-રાત હજારો અપરાધો થાય છે. પરંતુ હે પ્રભુ ! મને આપનો દાસ જાણી મને ક્ષમા કરજો. મને સત્સંગ અને સદબુદ્ધિ આપજો. કુડાપંથી, શક્તિપંથી, શુષ્કવેદાંતી અને નાસ્તિક એ ચાર પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરજો. હે મહારાજ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી મારી રક્ષા કરજો અને નિત્ય તમારા સંતો-ભક્તોનો સમાગમ દેજો.
પછી ભગવાનની દરેક મૂર્તિના દર્શન કરવા અને ભગવાનને પોતાના હૃદયમાં પધારવાની પ્રાર્થના સાથે વિસર્જન મંત્ર બોલી પૂજા પૂર્ણ કરવી.
સ્વસ્થાનં ગચ્છ દેવેશ પૂજામાદાય મામકીમ્ ।
ઈષ્ટકામ પ્રસિદ્ધિયર્થં પુનરાગમનાય ચ ।।
હે દેવાધિદેવ ! હે મહારાજ ! મારી પૂજા સ્વીકારી મારા હૃદયમાં પધારો અને સદા બિરાજમાન રહો.
પૂજા બાદ દરેક મૂર્તિ આદરપૂર્વક પૂજાપેટીમાં પધરાવવી.
પૂજા પેટીમાં ઠાકોરજીની સામગ્રી હોવાથી આપણે બેસવાના આસનને પૂજાપેટીની અંદર નહીં પરંતુ બહાર રાખવું અને પૂજા પવિત્ર સ્થાને મુકવી.
પછી ઘર મંદિરમાં બિરાજતા ભગવાનના દર્શન કરવા.
ત્યાર બાદ માતા-પિતાને પગે લાગી જય સ્વામિનારાયણ કરવા. ત્યારબાદ ગામમાં કે શહેરમાં આવેલ મંદિરે દર્શન કરવા જાવું. દર્શન કરીને આવ્યા બાદ પોતાના વ્યવહારિક કાર્યોમાં જોડાવું.
।। જય શ્રી સ્વામિનારાયણ ।।